Gujarat Lab Technician Protest: ગુજરાતમાં એક બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વધુ એક વિભાગે રાજ્ય સરકાર સામે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આરોગ્ય વિભાગના લેબ ટેક્નિશિયનના 1800થી વધુ કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણાં પર ઉતર્યા છે. જેમાં ગ્રેડ પેની વિસંગતતાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિવિલ, CHC, PHC હસ્તકના ટેક્નિશિયન GR માં થયેલી ખામી દૂર કરી ગ્રેડ પે સુધારવાની માંગ સાથે વિરોધ કરી રહ્યાં છે.
પગારની વિસંગતતા દૂર કરવાની માંગ
ગુજરાત લેબ ટેક્નિશિયન એસોસિયેશનના પ્રમુખ જયેશ સોલંકીએ આંદોલનની પોતાની માંગ વિશે જણાવ્યું કે, 'અમારી મુખ્ય માંગ છે કે, વર્ષ 1992માં GR માં થયેલી ખામીને દૂર કરી ગ્રેડ પે સુધારવામાં આવે. આ સિવાય કોરોનાકાળમાં 130 દિવસની જાહેર રજાઓમાં તમામ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતાં. ત્યારે કામગીરીનો પગાર કરવામાં આવે તેમજ કામના વધતા ભારણને પહોંચી વળવા માટે સહાયક આપવામાં આવે.'
આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશનને વેરાની આવકના 724 કરોડના ટાર્ગેટને સિદ્ધ કરવા હજુ 100 કરોડ ખૂટે છે
આંદોલન કરી રહેલાં એક લેબોરેટરી ટેક્નિશિયને જણાવ્યું કે, '30 વર્ષથી અમે GR ને લઈને પગારમાં વિસંગતતાને લઈને તંત્રની રજૂઆત કરી રહ્યાં છીએ. છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. છેવટે અમારે ધરણાંનો નિર્ણય લેવો પડ્યો છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી ધરણાં, આંદોલન અને રેલીનું આયોજન છે. સરકારના ચાર વિભાગમાંથી એક વિભાગમાં નિયમ મુજબની ભરતી અને પગાર થાય છે, તો અન્ય વિભાગમાં કેમ નથી થતા? અમારી માંગ છે કે, અમને પણ નિયમાનુસાર પગારધોરણ આપવામાં આવે અને સમયસર યોગ્ય ભરતી કરવામાં આવે.'
https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-more-than-1800-lab-technician-protest-at-gandhinagar